ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Tuesday 22 May 2018

ચિત્રકાર દાદીમા


    ૧૯૩૮ ના માર્ચ મહિનાની બપોર થવા આવી હતી. ન્યુયોર્ક રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ આલ્બનીથી ત્રીસેક માઈલ ઉત્તરમાં આવેલ હૂસિક ફોલ્સ નામના ગામડા પાસેથી લુઈ કેલ્ડર પસાર થઈ રહ્યો હતો. તેના પેટમાં બિલાડાં બોલતાં હતાં. તેણે એક નાનકડા, ગામડિયા સ્ટોર પાસે, થોડીક પેટપૂજા કરવા ગાડી થોભાવી. તેની પેટપૂજા તો પતી ગઈ; પણ સાથે અમેરિકાના ચિત્રકળાના ઈતિહાસમાં એક મહાન શોધ પણ તેણે કરી નાંખી!
    તેણે ચિત્રકાર દાદીમાનાં દસ ચિત્રોએક એક ડોલરના ભાવે વેચાવા માટે સ્ટોરની દિવાલ પર ટિંગાયેલાં જોયાં. કેલ્ડર આમ તો એક ઈજનેર હતો; પણ કલાકારીની ચીજવસ્તુઓ એકઠી કરવાનો શોખ પણ એને હતો. ચિત્રો એને અદ્ભૂત લાગ્યાં. દોરનાર બાઈને મળવા તે આતુર બની ગયો. સરનામું પુછીને તો એન્ના મેરી મોઝિસના ઘેર પહોંચી ગયો. પણ ૭૮ વર્ષનાં માજી ક્યાંક ગયેલાં હતાં; એમ એમના દીકરાની વહુએ જણાવ્યું. કેલ્ડર તો નાનકડા ગામની એકમાત્ર વીશીમાં રોકાઈ પડ્યો; અને બીજા દિવસની સવારે માજીને મળીને જંપ્યો. સાથે બીજાં વીસ ચિત્રો પણ એણે ખરીદી લીધાં.
    અને સપ્પરમા દિવસે અમેરિકાની એક મહાન ચિત્રકાર હસ્તીની જાણ આખા જગતને થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈકોણ હતી આ મહાન ચિત્રકાર? કેમ અત્યાર સુધી એને કોઇ ઓળખતું નહોતું? શું હીરાને એનો સાચો ઝવેરી ના મળે તો એણે પોતાની ચમક ખોઇ નાંખવી?

   ચાલો, એક નજર કરીએ આ ચિત્રકાળ બાળાના ઉછેર અને જીવનસંઘર્ષ પર.

    ૧૮૬૦ ના સપ્ટેમ્બરની ૭મી તારીખે એક ખેડુતના ઘેર જન્મેલ દીકરી. મૂળ આઈરીશ કૂળની વંશજ. અને એક વડવા તરફથી નેટિવ અમેરિકન લોહી પણ એની નસોમાં વહેતું હતું. એની મા માર્ગારેટ અને બાપ રસેલ રોબર્ટસનના દસ બાળકોમાં એન્ના ત્રીજા નમ્બરે હતી. વસાહતી અમેરિકન ખેડુતના ઘરમાં નાનાં મોટાં બધાં કામ કરવા વર્ષની ઉંમરથી પલોટાયેલી હતી. સાથે સાથે કાગળના ટુકડા અને સીવણ કામમાંથી વધેલાં ચીંથરાંમાંથી ઢીંગલીઓ પણ બનાવતી અને ઘેર બનાવેલા દ્રાક્ષ અને બ્લેક બેરીના રસથી એમને રંગતી. કદીક રસેલ ખેતીની ફસલ વેચીને પાછો આવે ત્યારે;બાળકો માટે ન્યુઝ પ્રિન્ટ માટે નકામા કાગળોનો થોકડો મફતમાં લઈ આવતો. બધાં બાળકો કરકસરથી વાપરતાં અને નાના નાના ટુકડાઓની બન્ને બાજુ, સહેજ પણ જગ્યા બાકી રહે તેમ, પેન્સિલ અને ચાક વડે ચિત્રો દોરતાં. ૮૦ વર્ષની ઉંમર પછી દેશ પરદેશમાં વિખ્યાત બનનાર ચિત્રકાર દાદીમાની બુનિયાદી તાલીમ હતી!
      એન્ના બાર વર્ષની થઈ; ત્યારે કુટુમ્બ પરનું ભારણ ઓછું કરવા નજીકના એક ગામમાં ઘરકામમાં મદદ કરવા કામે લાગી. થોમસ વ્હાઈટ સાઈડ નામના ખેડુતની પત્ની અપંગ હતી; અને તેમને આવી મદદની જરૂર હતી. એમની પાસે ઠીક ઠીક ત્તા પણ હતી; અને બંન્ને જણ બહુ માયાળુ સ્વભાવનાં હતાં. એની માલિક બાઈએ ઘણું બધું ઘરકામ, ચિત્રકામ અને સીવણકામ એન્નાને શીખવ્યું. એન્નાનાં ચિત્રો એમના જિલ્લાના મેળામાં દર વર્ષે પ્રદર્શન માટે પણ મુકાતાં. એન્નાની કળાની શાળા હતી!
     એન્નાએ પાંચ વર્ષ વ્હાઈટ સાઈડ કુટુબં સાથે ગાળ્યા; અને બન્નેનાં મરણ બાદ બીજાં દસ વરસ આવી છુટી છવાઈ નોકરીઓ કરી. પણ પહેલા પાંચ વર્ષમાં ભેગો કરેલો ઘરકામનો અનુભવ એને આખી જિંદગી કામ લાગ્યો. સ્વાદિષ્ટ રસોઈ બનાવવી, સરસ મજાનું સીલાઈકામ કરવું, ફળોના રસ અને મુરબ્બા બનાવવા, આંગળાં કરડી ખાઈ જાય એવાં કૂકી બનાવવા બધા કામોમાં પાવરધી બની ગઈ હતી. પણ વ્હાઈટ સાઈડના ઘરમાં સરસ ચિત્રો સાથેની એની પ્રીત કાયમ માટે એના અંતરમાં વણાઈ ગઈ.
અને છેવટે ૧૮૮૬ ની સાલમાં આમ કામ કરતાં એને એના મનનો મિત પણ મળી ગયો. ૧૮૮૭ ના નવેમ્બર મહિનામાં થોમસ મોઝિસ સાથે, એના ગામ હૂસિક ફોલ્સમાં તેનાં લગ્ન થયાં.
વધુ બીજા ભાગમાં
     લગ્ન પછી તરત મોઝિસ દંપતી દક્ષિણના રાજ્યઓમાં નસીબ અપનાવવા ઉપડી ગયું. એમનો વિચાર તો જ્યોર્જિયા કે એવા કોઈ રાજ્યમાં જવાનો હતો; પણ એક રાત વર્જિનિયાના સ્ટોન્ટન ખાતે રોકાયા ત્યારે તેમને શનન્ડો ખીણનો એ પ્રદેશ ગમી ગયો. સો એકરનું એક ખેતર પણ એમને ઢોર, ઢાંખર અને રહેવાના મકાન સાથે ભાડે મળી ગયું. જીવનના આ નવા તબક્કામાં બન્ને જણ અથાક મજુરી કરવામાં લાગી ગયા. થોડાક સમય પછી થોમસની બહેન મેટ્ટી અને બનેવી પણ એમની સાથે આવી લાગ્યા
     એન્નાને ખેડૂતો સાથે ઘરકામ કરવાની તાલીમ હવે બરાબર કામે લાગી. એણે બનાવેલું શુદ્ધ માખણ બહુ વેચાવા લાગ્યું. ચારે જણની મહેનતથી એમની સમૃદ્ધિ વધવા લાગી. ૧૮૯૬માં તો થોમસે પોતાની માલિકીનું, વીસ એકરનું ખેતર પણ ખરીદી લીધું. એન્નાએ પોટેટો ચીપ બનાવવાનો ધંધો પણ શરૂ કર્યો. પણ વતનની યાદ થોમસને બહુ સતાવ્યા કરતી. ૧૯૦૫ની સાલમાં એમણે વતન પાછા ફરવાનું નક્કી કર્યું; અને સારા ભાવે એ ખેતર વેચી, એન્નાના વતન હૂસિક ફોલ્સની નજીક ન્યુયોર્ક પાસે ઈગલ બ્રીજ ગામમાં એક ખેતર ખરીદી ત્યાં વસવાટ શરૂ કર્યો.  
    આ આખાયે સમય દરમિયાન એમને સંતાનો થવા લાગ્યા, ઉછરવા લાગ્યા અને પોતપોતાના વિકાસ માટે દૂર પણ જવા લાગ્યા. ૧૮૯૧માં એમની પહેલી દિકરી ઓના જન્મી અને ત્યાર બાદ એન્નાને બીજાં નવ  બાળકોને જન્મ આપ્યો. પણ એમાંથી પાંચ જ જીવતાં રહ્યાં.
    આ બધી સાંસારિક જફાની સાથે સાથે એન્ના સમય ફાજલ કાઢીને પણ એની મનગમતી ચિત્રકામ અને ભરત ગુંથણની પ્રવૃત્તિ તો કરી જ લેતી! પણ એ બધું કેવળ પોતાના આનંદ માટે જ.  સ્થાનિક મેળાઓમાં એ પોતાની બનાવટો – મુરબ્બા, જેલી વિ. ની સાથે ભરત ગુંથણના નમૂના પણ વેચવા મૂકતી; પણ ગામડાં ગામમાં એ કોણ ખરીદે કે એમને કોઈ ઈનામ મળે?!
     છોકરાંવને ભણાવવા ગણાવવા અને પરણાવવાની જવાબદારીઓ અદા કરતાં કરતાં, ૫૮વર્ષની ઉમ્મરે એન્નાને એના ઘરને વોલ પેપરથી સજાવવાનું મન થયું. કામ પતતાં, રસોડાની એક દિવાલ બાકી રહી ગઈ. નવો વોલ પેપર લાવવાને બદલે એક જાડો મોટો કાગળ તેણે લાકડાના બોર્ડની એ દિવાલ પર ચીપકાવી દીધો; અને તેની ઉપર ઘર રંગવાના રંગોથી એને ચિત્રકામ કરી દીધું. એન્નાની ત્યાર સુધીની જિંદગીનું આ મોટામાં મોટું ચિત્ર હતું! બે બાજુએ બે ઝાડ અને ઘાસની વચ્ચે તળાવ વાળું એ ચિત્ર આજે પણ મોઝિસ દાદીમાના ચિત્રસંગ્રહમાં સંઘરાયેલું છે.
    હવે તો ઘરનું અને ખેતરનું કામ એમનો દીકરો કરતો હતો. પણ એન્ના થોડીક જ નવરી બેસે એવો જીવ હતી? રસોડામાં અવનવી વાનગીઓ બનાવવી, ને ભરત ગુંથણ કામ કર્યે રાખવું – એમાંથી એ નવરી જ ન પડતી. ૧૯૨૭ ની સાલમાં થોમસે આખરી વિદાય લીધી; અને એન્નાના જીવનમાં નીરાશા છવાઈ ગઈ. એની ઉમ્મર હવે ૬૬ વર્ષની થઈ હતી. એને સંધિવા( Arthritis)ની તકલિફ પણ શરૂ થઈ હતી. ભરત ગુંથણની સોયો પરોવતાં એની આંગળીઓ દુખવા લાગતી. એના એક સંબંધીએ એન્નાને એ છોડી ચિત્રો દોરવાનું શરૂ કરવા કહ્યું;અને ડોશીમા તો મચી પડ્યાં! એનો ચિત્રકામનો જૂનો શોખ સજીવન થયો. ખેતરના કામમાં ઉપણી માટે વપરાતા જાડા કાપડમાંથી એ કેન્વાસ બનાવતી અને જૂની ફ્રેમો ગુજરીમાંથી ખરીદી લાવી; સુતારીકામનાં સાધનોથી એમને રિપેર કરી ચિત્રો એ જાતે જ મઢતી! એનું કામ કરવાનું ટેબલ પણ તેણે જાતે  સજાવ્યું હતું!
   અલબત્ત એનાં એણે આખી જિંદગી જ્યાં ગુજારી હતી તે ખેતરો, ગામડાં અને અતિશય રળિયામણી શનન્ડો ખીણમાથી એને પોતાના ચિત્રોના વિષયો મળી જતા. એનાં મોટા ભાગના ચિત્રોમાં અમેરિકાના ગામડાંઓની ધરતીનો એ ધબકાર ગુંજતો રહે છે. અન્નાએ બનાવેલાં એ બધાં ચિત્રોમાં કોઈ વ્યાપારી વૃત્તિ ન હતી. ખાલી પોતાને અને મિત્રો/ સગાં સંબંધીઓને ખુશ કરવા તે ચિત્રો દોર્યે રાખતી.
    ૧૯૩૯માં હૂસિક ફોલના સ્ટોર વાળી બાઈ કેરોલિન થોમસે એના સ્ટોરની શોભા વધારવા થોડાંક ચિત્રો માંગી લીધાં, અને એક ડોલરના ભાવે વેચવા પણ રાખ્યાં.
     જો કેરોલિનને આ વિચાર ન સૂઝ્યો હોત તો, લૂઈ કેલ્ડરને આ ચિત્રો જોવા મળ્યાં ન હોત; અને આ ચિત્રકાર દાદીમા અમેરિકાને અને જગતને અંધારામાં રાખીને જ પોઢી ગયાં હોત!
,,,,,,,,

     લુઇ કેલ્ડરે એન્નાની પ્રતિભા પારખી; એ એક વાત હતી; પણ એને અમેરિકાના કલાક્ષેત્રના રસિયા અને માધાતાઓ પાસે કબુલાવવી એ બીજી. એક વર્ષ સુધી તેણે અનેક આર્ટ ગેલરીઓને આ ચિત્રો પ્રદર્શિત કરવા વ્યર્થ ફાંફાં માર્યા. છેક એક વર્ષ પછી- ૧૯૩૯ના ઓક્ટોબર મહિનામાં ન્યુયોર્કના મેનહટનમાં આવેલ મોડર્ન આર્ટની એક આર્ટ ગેલરીએ એન્નાનાં ત્રણ ચિત્રો પ્રદર્શિત કર્યા. એક મહિના પછી; એ પ્રદર્શન બંધ થતાં એ ચિત્રો, વેચાયા વિના પરત પણ આવી ગયાં. છતાં હિમ્મત હાર્યા વિના લુઈએ ચિત્રો બીજી આર્ટ ગેલરીઓને મોકલવાનું ચાલુ રાખ્યું.
    અને છેવટે ઓસ્ટ્રિયાથી હિજરત કરીને આવેલ ઓટો કેલિર નામના કળાકારીની ચીજોના વેપારીને 'મેપલ સ્યુગર લાવતાં ( Bringing in Maple sugar) ચિત્ર બહુ જ ગમી ગયું. આ ચિત્રે એન્નાને માટે પ્રસિદ્ધિનું બારણું ફટ્ટાક દઈને ખોલી દીધું. એણે માત્ર એન્નાનાં જ ચિત્રોનો 'વન મેન શો' રાખવાનું નક્કી કર્યું.


      બીજા એક વર્ષ પછી ૧૯૪૦ ના ઓક્ટોબર મહિનામાં એની આર્ટ ગેલરીમાં એન્નાનો શો યોજાયો. આમ તો માત્ર ત્રણ ચિત્રો જ વેચાયાં હતાં; પણ ૮૦ વર્ષની આ ડોસીમાનાં ચિત્રોએ સારો એવો રસ કલારસિકોમાં પેદા કર્યો. આ જ સમય દરમિયાન મેનહટનમાં ગિમબ્લ બ્રધર્સ નામના પ્રસિદ્ધ વિક્રેતાઓ પોતાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલવાના હતા. એમને આ ડોસીમાના રંગબેરંગી ચિત્રો સારી શોભા ઊભી કરશે; એમ લાગતાં એમણે એ સ્ટોરના ઉદઘાટન વખતે આ ચિત્રો પ્રદર્શિત કરવાનું નક્કી કર્યું ; અને એન્નાને પોતાના ખર્ચે ન્યુયોર્ક પધારવા આમંત્રણ આપ્યું. ‘ ધોળા વાળ વાળી છોકરીનાં ચિત્રો’ ની સારી એવી જાહેરાત પણ તેમણે કરી!
    એ શોમાં એન્ના એની ગામઠી નિખાલસતાથી દર્શકોની માનિતી બની ગઈ. તેને ન્યુયોર્ક રાજ્યનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો. આ તેનો સૌથી પહેલો એવોર્ડ હતો. અને ત્યાર પછી એન્નાની પ્રસિદ્ધિ વધતી જ ચાલી. એન્નાને ઢગલાબંધ પત્રો મળવા લાગ્યા, અને એના ગામમાં એની મુલાકાત લેવા પત્રકારો અને કલારસિકો ઉમટવા લાગ્યા. એનાં બહુ પ્રસિદ્ધિ પામેલાં ચિત્રોની નકલોના ઓર્ડર પણ આવવા માંડ્યા. ત્રણ ચાર વર્ષ આમ નીકળી ગયાં. એ ગાળા દરમિયાન વિશ્વના તખ્તા પર હાહાકાર જન્માવેલ બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો. ત્રાસ અને વેદનામાંથી હાશકારો કરેલા લોકોને એન્નાના ચિત્રોમાંની ગામઠી સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યથી રાહત આપતી લાગવા માંડી. હવે તો આખા અમેરિકામાં એન્નાનાં ચિત્રોની માંગ થવા લાગી. લોકોને એન્નાના જીવન વિશે જાણવાનો પણ રસ જાગવા લાગ્યો. એની જીવન કથાનું પહેલું પુસ્તક ૧૯૪૬માં બહાર પડ્યું ; અને અમેરિકા અને યુરોપમાં એ બહુ જ વખણાયું. તરત જ એની બીજી આવૃત્તિ બહાર પાડવી પડી. રેડિયો ઉપર પણ એન્નાનો ઈન્ટરવ્યુ લેવાયો અને આખા અમેરિકા અને યુરોપમાં લોકોએ તે રસથી સાંભળ્યો.
      જ્યારે એના વેચાતાં ચિત્રોની મોટી કિમ્મત આવવા લાગી; ત્યારે રોયલ્ટીની મોટી રકમનો ચેક ઓટો કેલિરે એન્નાને મોકલ્યો. અને એ ભલી બાઈએ એ ચેક પાછો વાળ્યો કે, એ ચિત્રો તો તેણે લુઈ કેલ્ડરની વેચી જ દીધેલાં હતાં; અને ફરીથી એની કિમ્મત તે શી રીતે લઈ શકે? ઓટોએ એને એ ચેક લેવા બહુ સમજાવવી પડી!
      જો કે, ત્યાર બાદ એન્નાને કળાના બજારનું ભાન થયું. તેણે વકીલ અને નાણાંકીય સલાહકાર રાખ્યા; અને એની આવક ધુમ ધડાકા સાથે વધવા લાગી.
      ૧૯૪૯માં એન્નાની સાથે રહેતા હગનું અવસાન થયું. એનો શોક એન્નાએ માંડ જીરવ્યો; ત્યાં ત્રણ મહિના પછી; ૧૯૪૮ના વર્ષની છ ખ્યાતનામ સ્ત્રીઓને એવોર્ડમાં એનો સમાવેશ કરવામાં આવ્યો; અને મહાન માનવતાવાદી અને સદગત અમેરિકી પ્રમુખની પત્ની એલિનોર રૂઝવેલ્ટના હસ્તે એન્નાને આ એવોર્ડ આપવામાં આવ્યો. વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલ એ સમારંભ બાદ તે વખતના અમેરિકી પ્રમુખે એન્નાને વ્હાઈટ હાઉસમાં બોલાવી એનું સન્માન કર્યું. પણ એન્ના જેનું નામ; એ તો સહેજ પણ ગલવાયા વિના; એમની સાથે પણ એવી વાતોએ વળગી; કે પ્રમુખ આ ગામઠી બાઈના મિલનસાર સ્વભાવના આશક બની ગયા!
     ૧૯૫૦માં એન્નાનાં ચિત્રોનો શો યુરોપનાં છ શહેરોમાં યોજાયો અને એન્નાની પ્રસિદ્ધિ એટલાન્ટિક મહાસાગરને પણ આંબી ગઈ. ૧૯૫૨માં એન્નાએ લખેલી પોતાની આત્મકથા પ્રસિદ્ધ થઈ; અને એની સાદી સીધી અને હૈયાં સોંસરવી ઉતરી જાય એવી જીવનકથનીથી લોકો એની ઉપર ઓવારી જ ગયા. એ ચોપડીની અનેક આવૃત્તિઓ થઈ ચુકી છે; અને અનેક ભાષાઓમાં તેનું ભાષાંતર થયું છે. ૧૯૫૨માં એ આત્મકથાના આધાર પર એક ટીવી  નાટક પણ બન્યું અને બહુ વખણાયું હતું.
      આટલી બધી પ્રસિદ્ધિ છતાં ૯૦ વર્ષની ઉમ્મરે એન્નાએ ચીનાઈ માટીનાં વાસણો પર ચિત્રકામ કરવાનો નવો શોખ શરૂ કર્યો!
       ૧૯૫૫ માં અમેરિકનોની બહુ માનિતી બની ગયેલી આ ડોસીમા શી રીતે જીવે છે; અને એ કેવી રીતે કામ કરે છે; એ જણાવવા એના ઘરમાં જ એનો ઈન્ટરવ્યુ લેતો ટીવી શો યોજાયો.  
     ૧૯૬૦માં આ ડોસીમાની ૧૦૦મી જન્મજયંતિ આખા અમેરિકાએ ઉજવી અને તે વખતના અમેરિકી પ્રમુખ આઈઝનહોવરે પણ એમને ખાસ મુબારકબાદી આપી. એન્નાના ગામમાં તો એ મોતો ઉત્સવ બની રહ્યો.
      ૧૯૬૧ના જુનમાં એન્નાએ એનું છેલ્લું ચિત્ર પુરું કર્યું’ પણ તેની તબિયત કથળતી જતી હતી. એક વાર તે પડી ગઈ; પણ ઊભી ન થઈ શકી. છેવટે ૧૩મી ડિસેમ્બરે તેણે આખરી શ્વાસ લીધા;અને તેના વ્હાલા પતિ થોમસની કબરની બાજુમાં તેને દફનાવવામાં આવી; ત્યારે અમેરિકા અને યુરોપમાં તેના અસંખ્ય ચાહકોએ આંસું સાર્યાં હતાં.
   સાવ સામાન્ય ખેડુતના ઘેર જન્મેલી અને શરૂઆતની જિંદગીમાં ખેડુતોના ઘેર નોકરડી તરીકે કામ કરતી આ ગામઠી સ્ત્રી એના અવસાન વખતે લાખો લોકોને રડાવી ગઈ.  એનાં ચિત્રોમાં પ્રગટ થતી ખુશાલી, સુંદરતા અને તાજગી હજુ પણ લોકોના મનમાં આનંદની લહેરીઓ ફેલાવી દે છે.




No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?