અબ્રાહમ લિંકનના સમર્થકો તેમને અભિનંદન આપવા તેમના ઘરે ગયા ત્યારે લિંકન ગાયને દોહી રહ્યા હતા! અબ્રાહમ લિંકન જેવા સંસદ સભ્ય ગાયને દોહવા બેસે એ વાસ્તવિકતા પચાવવાનું આ લોકો માટે મુશ્કેલ હતું .
બધાએ એક સાથે લિંકનને કહ્યું: ‘તમે આટલા મોટા માણસ છો. આટલો અભ્યાસ કર્યો છે. ગાય દોહવાનું કામ ભરવાડનું છે સંસદ સભ્યનું નહીં!તમે આવું હલકું કામ કરી રહ્યાં છો એ જોઈને અમને આશ્ર્ચર્ય અને આઘાતની લાગણી થાય છે.’
લિંકને પૂછ્યું ‘એમાં આ્શ્ચર્ય અને આઘાત પામવા જેવું શું છે? આશ્ર્ચર્ય અને આઘાતની લાગણી તો મને થવી જોઈએ કે તમે આવી વાત કરી રહ્યા છો. આપણે ઘણા કામ જાતે કરવાને બદલે એ કામ બીજાને સોંપીએ છીએ કારણ કે એ કામને આપણે હલકું કે ઊતરતી કક્ષાનું ગણીએ છીએ. પણ મારી નજરમાં કોઈ જ કામ હલકું કે ઊતરતી કક્ષાનું નથી. એવો મનમાં વિચાર પણ ન આવવો જોઈએ કે અમુક કામ હલકું છે અને આપણાથી એ કામ ન થાય.’
લિંકનની વાત સાંભળીને તેમને મળવા આવેલા સમર્થકો શરમાઈ ગયા.
આવા ઉમદા વિચારો ધરાવતા કર્મયોગી રાજ પુરુષ અને અમેરિકાના ૧૬મા પ્રમુખ અબ્રાહમ લિંકન અમેરિકાના ઇતિહાસમાં ગુલામોના મુક્તિદાતા અને દેશને ખંડિત થતો બચાવનાર એક સફળ પ્રેસિડન્ટ તરીકે પોતાનું નામ અમર કરી ગયા છે.
૧૮૬૧માં તેઓ પ્રમુખ બન્યા પછી હબસી ગુલામોની મુક્તિ સાથે લિંકને પહેલું કામ અમરિકાના ચૂંટણીના કાયદાઓમાં ફેરફાર કરીને ગુલામોને પણ મતદાન કરવાનો અધિકાર આપ્યો હતો. એમનાં આવાં ઘણાં કામોને લીધે અમેરિકાની પ્રજાએ સર્વાનુમતે અબ્રાહમ લિંકનને આજ દિન સુધી થઇ ગયેલા પ્રમુખોમાં સૌ પ્રથમ સ્થાન આપ્યું છે .અબ્રાહમ લિંકનના જીવન અને કાર્યો ઉપર જેટલાં પુસ્તકો બહાર પડ્યાં છે એટલાં બીજા કોઈ પ્રમુખ કે વ્યક્તિ ઉપર નથી પડ્યાં .
આજથી ૨૦૯ વર્ષ પહેલાં ૧૨મી ફેબ્રુઆરી,૧૮૦૯ના રોજ લાકડાની કેબીન જેવા ગરીબ ઘરમાં અબ્રાહમ લિંકનનો જન્મ થયો હતો.અવારનવાર એમનો વસવાટ બદલ્યા કરતા એમના પિતા ટોમસે સાત વર્ષની ઉમરે જ અબ્રાહમના હાથમાં કુહાડી પકડાવી દીધી હતી.એમની બાવીસ વર્ષની ઉમર સુધી કુટુંબના નિર્વાહ માટે લાકડા ચીરવાની સખ્ત મજુરી પિતાની સાથે રહીને એમણે કરી હતી.
અબ્રાહમ લિંકનના જીવનના ઘડતરમાં અગત્યનો ફાળો આપનાર એમની માતા નેન્સી ૧૮૧૮માં તેઓ જ્યારે માત્ર ૧૦ વર્ષની ઉમરના હતા ત્યારે મરકીના રોગમાં સપડાઈને મૃત્યું પામ્યાં હતાં.એમના જીવનનો આ પ્રથમ મોટો આઘાત હતો.
અબ્રાહમ લિંકન લોગ કેબિનથી શરુ કરી અમેરિકાના પ્રમુખ પદની મંઝીલ સુધી પહોંચ્યા ત્યાં સુધીમાં એમણે ઘણી નિષ્ફળતાઓ જોઈ હતી. તેઓ પુખ્ત ઉંમરના બન્યા એ પછીનાં ત્રીસ વરસની એમના જીવનની આ સાલવાર નીચેની વિગતો વાંચીને તમોને ખ્યાલ આવશે કે એમના જીવનમાં કેટકેટલા ફટકા પડ્યા હતા.
- ધંધામાં નિષ્ફળ – 1831
- ધારાસભાની ચૂંટણીમાં હાર – 1832
- ફરીથી ધંધામાં નિષ્ફળતા – 1833
- ધારાસભામાં ચૂંટાયા – 1834
- પત્નીનું અવસાન – 1835
- પત્નીના અવસાનથી સખત આઘાતની મગજ પર અસર– 1836
- સ્પીકરની ચુંટણીમાં હાર – 1838
- ઈલેકટર તરીકે હાર – 1840
- ‘લૅંન્ડ ઓફિસર’ તરીકે હાર – 1843,
- કૉંગ્રેસની ચુંટણીમાં હાર – 1843
- કોંગ્રેસની ચુંટણીમાં જીત – 1846
- કોંગ્રેસની ચુંટણીમાં હાર – 1848
- સેનેટની ચુંટણીમાં હાર – 1855
- અમેરિકાના ઉપ-પ્રમુખની ચુંટણીમાં હાર – 1856
- સેનેટમાં હાર – 1858
- અમેરિકાનાં પ્રમુખ તરીકે ચુંટણીમાં જીત (પ્રેસીડેન્ટ) – 1860
આમ અનેક મુશીબતોનો સામનો કરી અબ્રાહમ લિંકન વાઈટ હાઉસ સુધીની મંઝિલ સુધી પહોંચવાના પોતાના સ્વપ્નને સાકાર કરી શક્યા હતા.
વોશિંગટનમાં રાજ વહીવટ સંભાળ્યો એ પછી પણ મુશ્કેલીઓ એમનો પીછો કરતી જ રહી.દેશમાં દક્ષીણનાં છ સંસ્થાનો સંયુક્ત રાજ્યમાંથી છૂટાં પડ્યાં અને ગુલામીના મુદ્દા પર આંતર વિગ્રહનો દાવાનળ ૧૮૬૧ થી ૧૮૬૫ દરમ્યાન દેશમાં ફેલાઈ ગયો. આ આંતર વિગ્રહમાં અબ્રાહમ લીન્કને ઊંડી કાર્ય દક્ષતા અને ઉચ્ચ પ્રકારની નેતાગીરીની ઓળખ સૌને કરાવી દીધી . આ આકરી કસોટીમાંથી હેમખેમ પાર ઉતરી આપણા સરદાર વલ્લભભાઈ પટેલની માફક દેશને ટુકડાઓમાં વેર વિખેર થતો બચાવીને અખંડિત રાખ્યો.આ એમના જીવનની આ મહાન સિદ્ધિ બની રહી.
અમેરિકાના સિવિલ વોરમાં વિજય પ્રાપ્ત કર્યા પછી મૃત સૈનિકોની યાદમાં ૧૮૬૩માં લીન્કને ગેટીસબર્ગ ,પેન્સીલવેનિયા ખાતે જે વક્તૃત્વ આપ્યું હતું એ અમેરિકાના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ગણાયું છે. આ સ્પીચના શબ્દો આ વિડીયોની લીંક ઉપર સાંભળો -
આંતર વિગ્રહનો જ્યારે ૧૮૬૫માં અંત આવ્યો ત્યારે કઈક રાહત અનુભવતાં લિંકને એમની પત્ની મેરી ટોડને કહ્યું હતું.”પાટનગર વોશિંગટનમાં આવ્યા ત્યારથી આપણા દિવસો બહું કપરા ગયા છે.પણ હવે યુદ્ધ પુરું થયું છે.ઈશ્વરની ઇચ્છાથી હવે બાકીનાં વર્ષો સુખ-શાંતિથી ગાળવાની આપણે આશા રાખીએ .”
કમનશીબે લિંકનનું આ સ્વપ્ન પુરું ન થયું. ૧૪મી એપ્રિલ ,૧૮૬૫ની રાતે વોશિંગટનમાં ફોર્ડ થીયેટરમાં બેસીને તેઓ નાટક જોતા હતા ત્યારે રાતે દસ વાગે દક્ષીણ રાજ્યના એક બુથ નામના એકટરે લિંકનના માથામાં ગોળી મારી અને બીજે દિવસે તેઓ મૃત્યું પામેલા જાહેર થયા.
દેશ માટે રાત દિવસ કામ કરનાર દેશ ભક્ત લીન્કને શહીદી વહોરીને આપણા રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની જેમ વિશ્વમાં એમનું નામ અમર કરી ગયા.
અબ્રાહમ લિંકનની લોગ કેબિનથી વાઈટ હાઉસ સુધીની જીવનયાત્રા દરમ્યાન ચડતી અને પડતીના ઉપર જણાવેલ ઘટનાક્રમ ઉપરથી બોધ એ લેવાનો કે જીવનમાં ગમે તેટલી હાર કે પડકારની પરિસ્થિતિ સર્જાય એવા પ્રસંગોએ હિમ્મત હારવી ન જોઈએ.
જીવનની દરેક હાર કે પડકારમાં આગળ વધવાની તકો છુપાએલી હોય છે.જીવનમાં નિષ્ફળતાનો અનુભવ થતાં નિરાશાનો ભોગ બની ઘણા માણસો હિમ્મત હારી જાય છે અને આગળ પ્રયત્ન કરવાનું છોડી દે છે.જેવી રીતે યુધ્ધમાં મેદાન છોડી ભાગી જનાર સૈનિક યુદ્ધ જીતી શકતો નથી એવી જ રીતે જીવનના યુધ્ધમાં હિમ્મત હારીને મેદાન છોડી જનાર વ્યક્તિ પોતાના જીવનમાં કદી જોઈએ એવી પ્રગતી કરી શકતી નથી.
અબ્રાહમ લિન્કને પોતાની અનોખી જીવનકથાથી એ સાબિત કરી બતાવ્યું છે કે...
જીવનમાં ધીરજ,હિમ્મત અને અડગ વિશ્વાસ રાખવાથી કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ થઇ શકે છે.નિષ્ફળતાના પાયા ઉપર સફળતાની ઈમારત રચી શકાય છે.
વોશિંગ્ટન ડી.સી. માં લિન્ક્ન મેમોરિયલ |
જન્મ
February 12, 1809 ,Hodgenville, Kentucky, U.S.
અવસાન
April 15, 1865 (aged 56), Petersen House, Washington, D.C., U.S
પત્નીનું નામ
Mary Todd
સંતાનો
ચાર પુત્રો -Robert Todd ,Edward Baker "Eddie",William Wallace "Willie",Thomas "Tad"
No comments:
Post a Comment
તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?