ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Saturday, 23 June 2018

બિલાડીના બેટાનું બારમું - કલ્પના દેસાઈ

       એક શાકાહારી જંગલ હતું. જંગલમાં રહેતાં બધાં પ્રાણીઓ ફક્ત શાકભાજી– ફળ– ફૂલ પર જ ગુજારો કરતાં હોવાથી જંગલનું નામ જ શાકાહારી જંગલ પડી ગયેલું. જ્યાં બધાં જ શાકાહારી હોય ત્યાં ભાઈચારો જ હોવાનો ને ? કોઈ, કોઈને મારીને ખાવાનું વિચારે જ નહીં ને ? કોઈએ કોઈથી બીવાનું નહીં અને કોઈની કોઈના ઉપર દાદાગીરી નહીં.     પરિણામે આ જંગલમાં, જાતજાતનાં ને ભાતભાતનાં પ્રાણીઓ ને પક્ષીઓ જોવા મળતાં. આસપાસનાં શહેરો ને ગામોમાં તો, આ જંગલના પ્રાણીઓનાં બાળકો માટે ખાસ સ્કૂલો ને કૉલેજો પણ હતી ! ધારે તે પ્રાણી, ચાહે તે સ્કૂલમાં કે કૉલેજમાં પોતાના બાળકને મૂકી શકે. એમને માટે હૉસ્ટેલ પણ ખરી. ડોનેશનની તો વાત જ નહીં કરવાની.
     થોડે થોડે દિવસે જંગલમાં પાર્ટીઓ પણ થતી. ક્યારેક કોઈનો બર્થ ડે હોય તો ક્યારેક કોઈનાં બચ્ચાનો બાળમંદિરનો પહેલો દિવસ હોય. કોઈ દસમા કે બારમામાં પાસ થયું ? ચાલો પાર્ટી કરો. મૅરેજ પાર્ટી, એનિવર્સરી પાર્ટી, સિનિયર સિટીઝન ડેની પણ પાર્ટી ! જાતજાતની રંગબેરંગી પાર્ટીઓને લીધે જંગલ હંમેશાં આનંદી ગીતોથી ગાજતું રહેતું.
આ મસ્ત જંગલમાં એક વર્ષે એક બિલાડીનો બેટો બારમામાં આવ્યો. બેટો શહેરની સ્કૂલમાં ભણે ને હૉસ્ટેલમાં રહે. ભણવામાં અવ્વલ, રમતગમતમાં નંબર વન–એકદમ સ્માર્ટ ! પરીક્ષાના દિવસો આવ્યા ને બેટાને હૉસ્ટેલમાં જ રહેવું હતું. પણ મમ્મી એટલે મમ્મી ! માનો જીવ માને ? એણે તો, પોતાના લાડકાને પરીક્ષા પહેલાં જ તાજોમાજો કરવા ઘરે બોલાવી લીધો. પોતાની નજર હેઠળ રહે તો બરાબર ભણે ને સમયસર ખાતોપીતો પણ રહે, તબિયત ના બગડે. મમ્મીએ તો બેટા માટે અલગ રૂમની વ્યવસ્થા કરી દીધી. શહેરમાંથી અસલી ઘીના ડબ્બા ને ચીઝ–પનીરના બૉક્સ પણ મંગાવી લીધા. દૂધ તો જંગલમાં જ મળી રહેવાનું હતું. ગાય–ભેંસ ને બકરીએ ચિંતા ન કરવા જણાવેલું.

    બિલાડીના બેટાને સવારે વહેલો ઊઠાડવા માટે જંગલના મરઘાંઓએ વારા બાંધેલા. પહેલો મરઘો બોલે કે, ગાય પોતાના વાછરડાને દૂધ લઈને મોકલી આપે, ‘તું થોડા દિવસ ઓછું પીજે પણ આ દૂધ આપણા બેટુને આપી આવ જા. ’ વાછરડું પણ હોંશે હોંશે બરણી ઝુલાવતું નીકળી પડે. બપોરે ભેંસ દૂધ મોકલે ને સાંજે બકરીનો વારો. જતાં આવતાં બધાં પૂછતાં જાય, ‘બિલ્લીબહેન, કોઈ કામકાજ હોય તો કહેજો. ’ બિલાડીને તો જરાય ચિંતા કરવી ન પડે. છતાંય માનું મન એટલે એના બેટુની ફરતે ફર્યા કરે. ‘બેટા ભૂખ્યો તો નથી ને ? ભૂખ લાગે તો કહેજે દીકા. એમ કર, ઘડીક ઊંઘી જા. આખો દિવસ વાંચીને થાક્યો હશે. ઊંઘવું ન હોય તો ઘોડા અંકલ કે હાથી અંકલને કહે, તને આંટો મરાવી લાવે. જરા ફ્રેશ થઈ જશે જા. ’ બેટો તો ઘણી વાર મમ્મીની સતત કાળજી ને ટકટકથી કંટાળી જાય, ગુસ્સે થઈ જાય ને નારાજ પણ થઈ જાય. છેલ્લે મમ્મીની લાગણી આગળ ઝૂકી જાય.
     જોકે, મમ્મી થોડી વાર માટે પણ બહાર જાય કે બપોરે સૂઈ જાય, ત્યારે બેટુ ચીઝ–પનીરના ડબ્બા ફેંદી વળે. મમ્મી કંઈ કાચી નહોતી. એ બધા ડબ્બા એવા સંતાડીને મૂકતી કે બેટુને ગંધ સુધ્ધાં ન આવે. વધારે ખાઈને બેટુ જાડો થઈ ગયો તો ? પછી આળસુ થઈ જાય, ઊંઘ્યા કરે ને ભણે નહીં તો બારમામાં શું ઉકાળે ? એટલે મમ્મી તો અઠવાડિયામાં એક વાર બેટુને ચીઝ સૅન્ડવિચ કે પનીર રોલ બનાવીને ખવડાવતી. બાકીના દિવસો તો છે જ દૂધ, દહીં ચાટવાના ને ઘીનો શીરો ઝાપટવાના ! જોકે, એ પચાવવા માટે મા–દીકરો બન્ને રોજ અડધો કલાક જંગલમાં દોડી આવતાં.
     અને એક દિવસ, બેટુની પરીક્ષાનો દિવસ નજીક આવી ગયો. બેટુની હૉસ્ટેલમાં જવાની તૈયારીઓ શરૂ થવા માંડી. બિલાડી તો આખી દુનિયાનો ભાર માથા પર લઈને રડમસ ચહેરે ફરવા માંડી. ‘બેટુની પરીક્ષા કેવી જશે ? પેપર સારાં તો જશે ને ? બેટુ ગભરાઈ તો નહીં જાય ને ?’ જાતજાતના સવાલોથી મમ્મી પરેશાન ! આટલા દિવસો સમજીને જ, દોસ્તથી દૂર રહેલા બેટુના દોસ્તો બધા મળવા ને શુભેચ્છા પાઠવવા આવી ગયા. મમ્મીને તો બેટુની ચિંતામાં, કોઈ ઘરે આવે તે પણ નહોતું ગમતું. સૌએ બેટુને નાની મોટી ગિફ્ટ આપી. બેટુ તો સૌનો પ્રેમ મેળવી ધન્ય થઈ ગયો. ફર્સ્ટ ક્લાસ લાવવાનું એણે સૌને વચન આપ્યું.
     સ્કૂલ જવાને દિવસે તો બેટુના મમ્મી–પપ્પા એને સવારથી કહેવા માંડ્યાં, ‘બેટા, બરાબર લખજે. ગભરાતો નહીં. શાંતિથી બે વાર પેપર પહેલાં જોજે. આવડતા જવાબો પહેલાં લખી નાંખજે. ઉતાવળ નહીં કરતો......’ બદામનો શીરો અને મસાલેદાર દૂધ પીને બેટુ તૈયાર થઈ ગયો કે, પપ્પાએ એના ખિસ્સામાં પૈસા મૂક્યા ને મમ્મીએ ચાંદલો કરી એક ચમચી દહીં ચટાડ્યું. આગલો જમણો પગ બહાર કાઢી, બેટુ ઘરની બહાર તૈયાર રહેલી હાથીઅંકલની સવારી તરફ ગયો. બેટુનો સામાન બધાએ ઊંચકી લીધો ને હાથીભાઈની પાછળ પાછળ બધા બેટુને વિદાય કરવા નીકળી પડ્યા. બિલ્લીમમ્મી તો આ દ્રશ્ય જોઈને ગદગદ થઈ ગઈ. એણે સૌનો આભાર માન્યો. આખરે શહેરનો રસ્તો આવી ગયો. હાથીઅંકલે બેટુને સાચવીને નીચે ઊતાર્યો અને સૂંઢમાં ઊંચકીને બેટુને ઘોડાઅંકલની પીઠ પર બેસાડી દીધો. બીજા ઘોડા પર બેટુના પપ્પા બધો સામાન લઈને બેઠા અને થોડી વારમાં તો બેટુભાઈની સવારી સ્કૂલના કમ્પાઉન્ડમાં ! બેટુને શુભેચ્છા પાઠવી સૌ રવાના થયાં. પપ્પાએ ગૂપચૂપ આંખો લૂછી.

     પરીક્ષા થઈ ગઈ. રિઝલ્ટ આવી ગયું. શાકાહારી જંગલમાં સૌની શુભેચ્છાઓથી અને વડીલોના આશીર્વાદથી સૌનો બેટુ ફર્સ્ટ ક્લાસ લાવ્યો હતો. જંગલમાં તો મંગલ ઘડી આવી હતી. બેટુને સૌ વાજતે ગાજતે જંગલમાં લઈ આવ્યા અને સૌએ બેટુના મમ્મી–પપ્પા પાસે પાર્ટી માંગી. આટલા મોટા જંગલમાં તો મહેમાનો પણ કેટલા હોય ? જોકે બધાં કંઈ બેસી રહે તેવા થોડા હતાં ? સૌ કામે લાગી ગયા અને ધામધૂમથી ને જોરશોરથી ‘જંગલ પ્લૉટ’માં બેટુભાઈની પાર્ટી ઊજવી કાઢી. બેટુભાઈ તો ખુશખુશાલ ! સૌ દોસ્તોમાં બેટુભાઈનો તો વટ પડી ગયો ને બધા દોસ્તો પણ આખો દિવસ બેટુભાઈની પાછળ પાછળ ફરતા રહ્યા.

     ‘બેટુ, અમે જો ભણીએ તો અમને પણ તારા જેવું જ બધું ખાવાપીવાનું ને શહેરમાં જઈને ભણવાનું ને રહેવાનું મળે ? અમે જો તારા જેવું ભણીએ તો અમને પણ બધા પાર્ટી આપે ? અમને પણ બધા ઊંચકીને ફરે? અમને પણ બધા શાબાશી આપે ? વાહ ! કેટલું સરસ !’
     બેટુએ તો બધાંને સ્કૂલની ને ભણવાની બહુ બધી વાતો કરી ને બરાબર વાંચ્યું હોય તો કેટલી સહેલી પરીક્ષા હોય ને કેટલી સરસ રીતે પાસ થઈ જવાય તેની પણ બધી વાતો કરી એટલે એના દોસ્તો બધા ખુશ થઈ ગયા અને ભણવા જવા માટે બધા જ તૈયાર થઈ ગયા. જંગલના બધા જ પ્રાણીઓ પોતાનાં બાળકોની ભણવાની વાતોથી આનંદમાં આવી ગયા અને બેટુનો ને એનાં મમ્મી–પપ્પાનો આભાર માનવા લાગ્યા. વેકેશન પૂરું થવાની સૌ રાહ જોવા લાગ્યા.
     એ તો સારું થયું કે, જંગલમાં કોઈ માણસ નહોતો રહેતો, નહીં તો બેટુના રસ્તામાં પહેલે જ દિવસે આડો ઊતરત કે નહીં ? તો પછી, બેટુની સાથે બાકી બધાંનું ભણવાનું પણ રહી જ જાત ને ? ચાલો, જે થયું તે સારું થયું. બેટુને બહાને બધા બાળકો જંગલમાં પણ ભણતાં થઈ જવાનાં. બેટુભાઈની જય હો !



-

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?