એક ચારણ હતો. એ ગામે ગામ ફરી, લોકોના વખાણ કરી, મળતી બક્ષીસથી પોતાનું ગુજરાન ચલાવતો. એકવાર એક ગામના રાજા પાસે ગયો,
રાજાના વખાણ કરી, આખરે રાજાને એક સવાલ પૂછ્યો, “બાપુ દૂજાણું કેટલું?” બાપુ એ જવાબ આપ્યો, “૧૦૦ ભેંસો, ૩૦૦ ગાયો અને ૫૦૦ બકરીઓ.”
બારોટે કહ્યું, “સુખી બાપુ, સુખી. દુધની તો નદીઓ વહેતી હશે, દુધે નહાતા હશો, મીઠાઈઓના દાન કરતા હશો ! સુખી, બાપુ સુખી.”
રાજાએ સારી એવી બક્ષીસ આપી. ચારણ આશીર્વાદ આપી, ત્યાંથી નગરશેઠની હવેલીએ ગયો. સામાન્ય પ્રશસ્તિ કર્યા પછી પૂછ્યું, “શેઠ દૂજાણું કટલું?” નગરશેઠે જવાબ આપ્યો, “૪૦ ભેંસો, ૧૦૦ ગાયો અને ૨૦૦ બકરીઓ.” બારોટે કહ્યું, “સુખી બાપ, સુખી. દુધ રાખવા ટાંકીઓ બનાવી હશે, નોકર ચાકર મીઠાઈઓ ખાતા હશે, સુખી બાપ સુખી.”
આમ કરતો કરતો ચારણ એક સામાન્ય દેખાતા ઘરમાં ગયો. સામાન્ય વાતચીત બાદ બારોટે પૂછ્યું, “ભાઈ દૂજાણું કેટલું?” પેલા માણસે એક મોટા લોટા સામે આંગળી ચીંધીને કહ્યું, “રોજ સવારે આ લોટો લઈને કયારેક રાજાના મહેલમાં તો ક્યારેક નગરશેઠની હવેલીમાં જાઉં છું, લોટો ભરીને દૂધ મળે છે, જે આખો દિવસ ચાલે છે, રાતે લોટો માંઝી, ઊંધો કરી દઈને સુઈ જાઉં છું.”
બારોટથી બોલી જવાયું, “તું સૌથી સુખી બાપ, સૌથી સુખી.”
No comments:
Post a Comment
તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?