ગુજ્રરાતનાં બાળકોને ઈ-વિદ્યાલયનો લાભ લેતાં કરશો ને?

Saturday 30 June 2018

બદમાશ કોણ?- શ્રીમતિ કલ્પના દેસાઈ

     બાળકને હંમેશાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તેથી જ બાળક જેટલું પ્યારું, મનોહર, ભોળું, નિર્દોષ અને જાતજાતના ગુણોથી ભરપૂર બીજું કોઈ હોતું જ નથી અથવા કોઈ હોઈ જ ના શકે. છતાં....એ જ બાળકને રમાડતી વખતે એના જેટલું લુચ્ચું ને બદમાશ બીજું કોઈ હોતું નથી! માનવામાં નથી આવતું? તો જુઓ, આ લોકો કેવી રીતે બાળકને રમાડે છે? અને ખાસ, રમાડવા જાય ત્યારે તો...!

    ધારો કે, બાળક ‘બાબો’ છે ને બાબાનું નામ અભય છે. બાબાના મામી રમાડવા આવ્યાં છે.
     ‘શું નામ પાડ્યું પછી બાબાનુ?’ (જાણી જોઈને પૂછે! વહેવાર!)
     ‘અભય.’
    ‘અભય? અરે વાહ! સરસ નામ છે. લાવો જોઉં, એને મારા ખોળામાં આપો. અલેલે... આવતો લે...જો તોન આઈવું? હું તો તાલી મામી થાઉં...મામી...હં કે...અ  ભ..ય...અભુ...માલો અભલુ....હાલુલુલુ....હછી હછી કલો.... હમ્મ્...અલે અલે..લલવાનું નહીં....જો જો, જો તો, કેવું બીબું તાણે છે! બદમા..શ! નહીં નહીં, તને નહીં હં...તને નહીં. તું તો માલો ડાહ્યો બેટો છે ને? બદમાશ તો આ તાલી મમ્મી છે. મમ્મીને હત્તા...હત્તા..બછ? ચાલો હવે આલી આલી કલી જાઓ. (એમ પણ મને સૂવા સિવાય બીજું શું કામ છે? જો સૂઈ રહું તો બધાંને શાંતિ. એટલે જ, જે આવે તે બધાં મને સૂવાનું જ કહેતાં આવે! કેટલી મજા, તમે મમ્મીને હત્તા કલવાનાં!)

     કાકી રમાડવા આવ્યાં.
    ‘લાલો જાગે કે ઊંઘે?’ (ભઈ, જાગું છું. મને કોણ ઊંઘવા દે? ને મારું નામ લાલો નથી. નામ નંઈ બગાડો.)
     ‘જાગે જ છે, આવો.’
    કાકી ઘોડિયા તરફ જતાં, ‘બદમાશ છોકરો! કેમ જાગે છે? ઊંઘ નથી આવતી? હંઅઅઅ....ખબર છે કે, આજે કાકી આવવાનાં છે એટલે...કે...મ? ચાલો જોઉં, બા’લ નીતલો....તાતી છાથે લમ્માનાં....’ (તાતી, આપને છુ લમછુ?)

    અભયને ખોળામાં લઈને રમાડતાં, ‘અભી બેટા...., અભુ....તેમ થો? જો હું તાલી તાતી થાઉં...તા..તી. નાની તાતી. મોતી તાતી થે ને પથી આવથે હં....તાલા માતે વાવા લેવા ધયા.’ (વાવા લેવા? અલે વાહ! તમે થું લાઈવા?)
    ‘લાલો રાતના રડે છે કે?’ (તાતી, બીધુ તઈ પૂથો ને.)
    ‘અરે.. રાતની તો તમે વાત જ નહીં કરતાં. આખી રાત માથે લે છે. જેમતેમ જરા સૂએ ને સૂવા દે.’ (તને દિવસે સૂવાની કોણ ના પાડે છે? વાત ઓછી કર ને.)
    ‘કેમ લે બદમાછ છોકલા...મમ્મીને છૂવા નથી દેતો? આલી કલી જવાનું હં..નહીં તો મમ્મી માલછે....પપ્પા માલછે...ડાહ્યો દીકો છે ને? ચાલો છૂઈ જાઓ જોઉં.’ (તમે મને બીવડાવો થો? તમે ધાઓ પથી મમ્મીની વાત થે.)

     બધાંની છૂવાની વાતથી કંટાળેલા અભયને લલવું આવ્યું એટલે અભયે તો જોરમાં ભેંકડો તાણ્યો. ને તાતી ઘભલાયાં!
    ‘નહીં..નહીં...લલવાનું નહીં. તોને માઈલું? તોને માઈલું? તોન બદમાછ માલા દીકાને માલે થે? મમ્મી? પપ્પા? દાદી? ચાલો, બધાંને હત્તા હં! હત્તા...’
    (વાહ તાતી! મધા પલી ધઈ. તમે તો બધાને હત્તા કલવાના. અંઈ જ લઈ ધાઓ ને.) અભયથી હસી પડાયું.
    ‘જો જો...બદમાશ! મારવાની વાત કરી તો હસવા માંડ્યો કેમ? આ અત્યારનાં છોકરાં! અત્યારથી જ જાણે બધું સમજી જાય!’ (ગપ્પાં નહીં મારો કાકી, હું તો એમ જ હસું છું.)
      આ સાંભળીને મમ્મી પોરસાયા વગર રહે કે?
      ‘અરે...અત્યારનાં છોકરાંની તો વાત જ ના થાય. આપણે બોલીએ તે બધું સમજે હં કે...! (આ મમ્મી છે ને, એક નંબરની ગપોડી છે.)
     ત્યાં બધી વાત સાંભળીને આવી ચડેલા પપ્પાએ મમરો મૂક્યો, ‘એમ કે? એને જરા પૂછો તો, ‘વૉટ ઈઝ યૉર નેઈમ?’
      ‘અરે, એમ કંઈ થોડું? તમે બી ખરા છો!’ (લે, બહુ ડાહી થતી’તી ને!)
‘કેમ નહીં? ઈંગ્લિશ તો અત્યારથી જ શીખવશું તો જ જલદી આવડશે ને? અમે તો રોજ સવારે એને ‘ગૂડ મોર્નિંગ’ ને રોજ રાતે ‘ગૂડ નાઈટ’ કહેવાની ટેવ પાડી દીધી છે. બહાર જઈએ તો એને ‘બા...ય’ કહ્યા વગર ન નીકળીએ.’ (પપ્પા...ગપ્પાંની પણ હદ હોય! તમે મમ્મીને બધાંના દેખતાં ચીડવશો પણ બધો ગુસ્સો પછી મારા પર નીકળશે.)
  
      ‘ચાલો છોડો એ બધી વાત ને મારા પોતરાને મારા ખોળામાં આપો જોઉં.’ દાદીએ બગડતી બાજી સુધારવાની કોશિશ કરી. દાદીના ખોળામાં જવાની રાહ જોઈ રહેલા અભયે ખોળામાં જતાંની સાથે જ એને પવિત્ર કરી દીધો.
    ‘બદમા...શ! તને જ્યારે હોય ત્યારે દાદીનો ખોળો જ મળે કેમ? બિલકુલ બાપ પર ગયો છે.(બાપ પણ બદમાશ?) નાનો હતો ત્યારે મારા ખોળામાં આવીને જ બગાડતો. લે વહુ, આને લે હવે ને એનાં કપડાં બદલી કાઢ, હું મારાં કપડાં બદલી આવું.’ 
    (દાદી, તમારા ખોળામાં આવું ત્યારે મને રમાડવાને બદલે તમે દર વખતે મમ્મીને બધું યાદ કરાવવા મંડી પડો. ‘લાલાને ફલાણું આપ્યું કે? ઢીંકણું ચટાડ્યું કે? દવા કેટલા વાગે આપવાની છે? નવડાવવાવાળી બાઈને આમ કહેજે ને કપડાં ધોવાવાળીને તેમ કહેજે.’ તમારું ધ્યાન મારામાં હોય જ નહીં પછી શું કરું? થોડીક બદમાશી અત્યારથી નહીં કરું તો, ‘જમાનો બહુ ખરાબ આવવાનો છે’ એવું તમે જ બોલો છો ને?)
     બાપ રે....! જોયાં આ આજકાલનાં છોકરાં? હવે કોઈ બાબલાને રમાડવા જાઓ તો આટલું ખાસ ધ્યાન રાખજો.

બાળક બદમાશ હોય છે!બાળક બધું સમજે છે!

    તમે જે બોલશો તેના બધા જવાબ એની પાસે તૈયાર હશે. અને છેલ્લે....

     જો બાળક તોતડું બનશે તો, એની જવાબદારી તમારી પણ ગણાશે. લમાલતી વખતે તમાલે તોતલા બનવાની ધલુલ કે જલુલ નથી.

No comments:

Post a Comment

તમારાં અમૂલ્ય પ્રતિભાવ અને સૂચનો લખી અમને પ્રોત્સાહિત કરશો ને?